Sunday, June 5, 2016

વૃંદાવનની ગોપી..

વાત તો છે, સાવ અનોખા પ્રેમની.
એવો પ્રેમ- જેને કોઈએ પ્રેમકહ્યો જ નહિ.
એ હમેશા ઘેલછા ગણાઈ..
પણ કહેવાય છે, પ્રેમની નિસરણીનું છેલ્લું સોપાન એટલે ઘેલછા...

પ્રેમીઓની વાતમાં સૌથી ઉપર આવતું નામ એટલે- રાધિકા ને એનો કન્હૈયો.
કોઈ પણ યુગલને ઈર્ષ્યા આવે એટલો મહેકતો, અને
કોઈને પણ એ પગલે ચાલવાનું મન થાય એવો એમનો સંબંધ.
હજી જન્મો સુધી પ્રેમીઓ માટે આદર્શ રહી શકે એવો એ સંબંધ....





















પરંતુરાધાનું નિરુપણ કશે એકલું નથી..
એ બંનેની આસપાસ ગોપીઓ ના હોય ત્યાં સુધી વ્રજનું એ ચિત્ર પૂરું લાગતું નથી..
રાધા સિવાય ગોપીઓ પણ એની ઘેલી હતી..
પૂનમની રાતે રાસની રમઝટ એણે એકલી રાધા સાથે નથી કરી.
એની મોરલીની ધૂન પર કાંઈ એકલી રાધા જ દોડી આવતી હોય એવું નથી..
સાથે હતી, કદાચ રાધા જેટલો જ નિર્મળ સ્નેહ કરતી ઘેલી ગોપીઓ...


વર્ષોથી આપણી નજર ગોપીઓને એક સાથે જ- એક વૃંદમાં જોવાને જ ટેવાયેલી છે..
અનોખી તરી આવતી હોય તો એ- એક માત્ર રાધા..
પણ
એ વૃંદમાંથી જ કોઈ એક 
ગોપીને જરાક વાર,
અલગ કરીને જોઈએ તો?!




ઘણી વાર વિચારું છું કે એને કેવી લાગણી થતી હશે !
પોતાનું હોવા છતાં અધિકાર ના જતાવે- એને શું કહેવું? લાચારી કે ઉદારી ?
કદાચ, આ બન્નેમાંથી કશું નહિ.
શબ્દરૂપ ના આપી શકાય એવી કોઈ ત્રીજી જ ભાવના હશે એ..
કેમ કે એ તો ખુશ છે રાધા સાથે એને જોઇને..
અને ઈર્ષ્યા કરત તો પણ કોની ! – સહિયર પણ પોતાની ને એ પણ પોતાનો..

વહેલી સવારે આંખ ઉઘડતાં જ એને પણ પિયુનું સ્મરણ થતું હશે.
એ પણ વિચારતી હશે કે નીંદર ઉડી એટલે સ્મરણ થયુ કે સ્મરણ થયું એટલે નીંદર ઉડી ગઈ!
સ્મરણ થતા વેંત એ ખુશ થઇ ઉઠતી હશે,
ભલે ને પછી આખો દિવસ એ યાદો એના પગમાં અટવાયા કરે !

એને મન નહિ થતું હોય ધવલ પુષ્પો કેશમાં સજાવવાનું,
જયારે જોતી હશે સખીના અંબોડે ફુલોમાં પ્રેમની આંગળીઓની છાપ?
પણ તો પછી સખીને ગમતા પુષ્પો એ જ કેમ કાનાને ચૂંટી આપતી હશે !

એના છેડાયેલા સૂરોની એ પાગલ,
સુરાવલીના શબ્દોથી સખીનું નામ બને છે એ જાણતી હોવા છતાં,
બધું છોડીને ત્યાં પહોચી જવાની ઈચ્છા કેમ ધરાવતી હશે?
એને સતાવવા માધવે પણ મન ફાવે ત્યારે મોરલી વગાડી છે...
ક્યારેક વહેલી સવારે, ક્યારેક ગોધૂલી ટાણે, ને ક્યારેક તો સાવ અડધી રાતે !
પણ એ થોડીક ક્ષણોમાં જ ગોપીને એનું અસ્તિત્વ સુવાસિત લાગતું હશે કદાચ..

અને એ એકલી થોડી એની ફરિયાદી હતી?
રાધિકા પણ એ નટખટના કારસ્તાન જાણતી જ હશે.-એની પણ અઢળક ફરિયાદો હશે..
સૈ સાથે એની ગોઠડી માંડતા ઘણીવાર બપોર આખી વીતી જતી હશે..
અને એ ફરિયાદો પણ કેવી ?
એની ફરિયાદ કરતા કરતા જ એના પ્રેમમાં પડી જવાયું !
ને બાકી હતું એ એના અટકચાળાએ કામ કરી કીધું... 

જો કે એની આ મનોદશા સહિયર પણ જાણતી જ હશે..
ને પેલા ચોરને આ ખબર ના હોય એવું તો બને જ નહિ..
છતાં ત્રણે કોઈ ત્રિકોણ બનાવે છે, એવું કહેવું ઠીક નહિ રહે..
કારણ- જાણે અગાઉથી કાનાના ભાગ પડી ગયા હોય એમ એ બોલવાની- એ તો રાધે તારો !



કવિઓ, લેખકો એ રાધિકાની મન:સ્થિતિ હજી પણ કલ્પી લીધી.
કેમ કે એનું સ્વરૂપ ગંભીર છે...
પણ ગોપીનું મન સદા, કલ્પના બહારની રંગોળીમાં જ રહી ગયું !
રાધાના વ્હાલમાં એક જાગૃતતા છે.- એ કાનુડા સાથે હસે છે, રમે છે, રિસાય છે, માને છે,
એના વિયોગમાં ઉદાસ પણ થાય છે..આ બધાની એને સભાનતા છે..
જયારે ગોપીનું વ્હાલ ઊંડું હોવા છતાં બેધ્યાન છે- કેમ કે એના માટે એ શ્વાસ જેટલું સાહજિક છે...
શ્વાસ લેવા માટે સભાનતા હોવી જરૂરી નથી એની જેમ..

દુનિયા આખીનાં નેત્રોએ રાધા સાથે શ્યામને નિહાળ્યો, વખાણ્યો..
તો એની ગોપી એ ક્યાં કદી કોઈ રાવ કરી છે!
આમ તો એણે ચોરાયેલા માખણની, કૃષ્ણના તોફાનોની,
નાની નાની અમાપ ફરિયાદો યશોદાજી પાસે કરી..
પણ પોતાના અધિકારક્ષેત્રનો પ્રેમ ય એણે ક્યારેય માંગ્યો હોય એવું ખ્યાલમાં નથી..

આટલી ખેચાઈ ગઈ હોવા છતાં કેમ ક્યારેય એના મુખે પ્રીતિના એ શબ્દો આવ્યા નહિ હોય ?
ગોપીને આલેખતી કોઈ પણ પ્રકારની રચના લઇ લઈએ, ચિત્રો- કવિતાઓ, કથાઓ,
પામવાની કે છોડવાની બે થાંભલીઓ વચ્ચે ઝૂલવું જોઈએ એ સ્થિતિમાં, એ તો મૂંગી શ્યામના સાનિધ્યમાં અથવા સ્મરણમાં લીન દેખાશે..
જાણે- આ બધાનું કોઈ પરિણામ આવે કે ના આવે, એને કશી પડી જ નથી..

હૃદયમાં ઉઠતી ઊર્મિઓનું એણે બસ નિરિક્ષણ કર્યું,
એ ઉર્મીઓને સમજવાનું તો દુર
એણે તો કદી એનું નામ પણ ના પાડ્યું...
પ્રીતિ છે, કે પછી આ ત્યાગ કહેવાશે એવી માથાકૂટ એણે કદી કરી જ નહિ..

ખરેખર, સ્નેહનું આવું મૂક પરિમાણ ધરાવતું વ્યક્તિત્વ એક જ હોઈ શકે- વૃંદાવનની ગોપી..

( Rest of The Images: From an Old Personal Collection )

(Disclaimer: This post is not for any religious purpose. I have written it according to my beliefs and views about above mentioned characters, rather than according to any religious path explanations. Views may differ from Person to person. Moreover, above post is not intended for hurting anybody's feelings about "Dharma". Still, If you find anything inappropriate, healthy discussions are always welcome.) 

Recent Posts

Recent Posts Widget