Monday, January 27, 2014

મહોરાં પાછળના અવાજો


અવાજો પણ મહોરાં પહેરીને ફરતા હોય
એવું કેમ લાગે છે ?
લોકોના અવાજ હવે ઓળખાતા નથી
કોણ દોસ્ત, કોણ દુશ્મન
કોણ કોનું સગું, કોણ પરાયું
ઝડપી વાહનોની અવરજવર વચ્ચે
સમજાતું નથી
આ શહેર
વિસ્તરતું જાય છે, કે
સાંકડું થતું જાય છે.

લોકોના અવાજ હવે ઓળખાતા નથી.

                             - જયા મહેતા

Thursday, January 16, 2014

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ....


સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
           મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?              

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ઈર્શાદ પણ,
 એક ઢેફું આ ધરાનું જોઈએ.

                       -ચિનુ મોદી   
JSR.....

Wednesday, January 8, 2014

ત્રણ ભાઈ-ભાંડું....



માતા   અમારી  પૃથ્વી, અમે  છીએ 
સંતાન    એના ,   ત્રણ   ભાઈ-ભાંડું 
આ   સૌથી  નાનું તરુ  ,માતથી  એ 
ક્ષણેય   છુટું      પડતું    ન ,   જાણે 
હજી    વધેરી   નહિ   નાળ  એની  !
ને, અન્ય  તે આ  પશુડું   હજી     એ 
ચાલે ચતુષ્પાદ    , ને ચાલતા શીખ્યું 
ટટ્ટાર   બે પાયથી  ,  (મારી  જેમ ) ;
 ભાખોડિયા     ભેર   ફરે   ધરા  બધી,
 ને   સૌથી  મોટો  હું ,  મનુષ્ય  નામે ;
 ઉડી    રહું   આભ   તણા      ઊંડાણે .
હું   આભનો   તાગ   ચહું  જ  લેવા..
ખુંદી    રહીએ   બસ  નિત્ય  ખોળલો
માત   તણો  ,  મૂર્તિ  ક્ષણા  તણી જ;
મૂંગી   મૂંગી  પ્રેમ   ભરી  નિહાળતી 
લીલા  અમારી   ત્રણ ભાઈ-ભાંડુંની.

                               -અનામી

 JSR....

Recent Posts

Recent Posts Widget