Wednesday, June 25, 2014

बावरा मन...देखने... चला एक सपना...

મને હજી પણ યાદ છે. કોલેજનો પહેલો દિવસ હતો.
આમ તો નવા વાતાવરણમાં મજા આવશે તેવું મનને સમજાવ્યું હતું. પણ નવું એડમિશન
લીધેલા નાના બાળકોને રસ્તામાં રડતા જોઈ મન ત્યાં જ ડહોળાઈ ગયેલું.
ઉદાસ ચહેરે ને ખચકાતા હૃદયે નવા ક્લાસમાં નવા ચહેરાઓ વચ્ચે આગમન થયું.
ગોઠવણી મુજબ તારો રોલ નંબર મારી પાસે આવેલો..તારી પાસે ત્યારે બે વસ્તુઓ હતી : તારું ભારેખમ દફતર ને તારું એ જ ચીર પરિચિત સ્મિત!
મને હજી પણ તારો એ ચહેરો યાદ છે!

તે દિવસે રીસેસમાં તે નાસ્તામાંથી ભાગ પડાવ્યો..અને આજે પણ તારી એ આદત ગઈ નથી..મારા તમામ સુખ દુઃખમાં તે એ જ રીતે હકથી ભાગ પડાવ્યો છે..
પહેલા દિવસને બાદ કરતા એ નાનકડી દુનિયામાં આપણે બહુ મજા કરી છે.
ના આપણા બંનેના ઘર વચ્ચે એટલું બધું અંતર હતું , ના હૃદય વચ્ચે.
કોલેજના એ તમામ વર્ષો હજી પણ ક્યારેક મારા ડ્રોવરમાં જડી આવે છે..

તને ખબર છે, અહી મારા રૂમની બારીએથી એક ગુલમ્હોર દેખાય છે..ત્યાં મારા ઘર સામે પણ એક ગુલમ્હોરનું ઝાડ હતું. “Bye” કહ્યા પછી પણ આપણે કલાકો સુધી એની નીચે ઉભા રહીને વાતો કરી છે!

ગઈ દિવાળીએ આખું ઘર સાફ કરી નાખ્યું પણ એક આ યાદો છે ને, જવાનું નામ જ નથી લેતી! દર વખતે ચોમાસું આવે ને તને સાથે લઈને આવે છે! ભીંજાઈને ભરેલા એ ક્લાસ, તૈયાર કરેલી નોટસ હજી પણ ક્યાંક પડી હશે..

કોલેજની એ મસ્તી યાદ કરવાની જરૂર ખરી? પેલા અસાઇનમેન્ટ હજી અધૂરા છે..ચલ ને પુરા કરી નાખીએ !

કોલેજના છેલ્લા દિવસે વિદાયની બધી તૈયારી થઇ ગઈ હોવા છતાં લાગ્યું કે આ છેલ્લો દિવસ અચાનક જ આવી ગયો કે શું?  હજી તો ઘણું કહેવાનું બાકી હતું..
વિદાય સમારંભના એ જુના ફોટાઓમાં આપણે બંને હસીએ છીએ... એટલો અભિનય સાચે કેવી રીતે થઇ ગયો?!
ફાઈનલ પરીક્ષાઓ પૂરી થયા પછી આપણે સાથે હતા. ત્યારે એવી રીતે જ અચાનક તે તારો પેલો અપોઈન્ટમેન્ટ લેટર બતાવ્યો હતો.. .અને મારી આંખો સાથે તારી આંખો પણ ઝરમર ઝરમર...

બસ તારી એ છેલ્લી સ્મૃતિ મારી પાસે ઉધાર રહી ગઈ છે...  મને તો પેલું સાચુકલું સ્મિત જોઈએ છે..

કાલે પેલા ગુલમ્હોર નીચે જવું છે.. તું આવીશ ને ? 
-Anita R.



1 comment :

Recent Posts

Recent Posts Widget