Saturday, April 25, 2015

સંધ્યાના બે રંગો


સંધ્યાના બે રંગો જેવા આપણે બેઉ,
એક ગુલાબી ને કેસરી બીજો..
એકબીજા માં ખોવા છતાં.., કદી એકમેક નું અસ્તિત્વ ન ભુલાવતા..
આપણી જેમ જ ,નહીં?

કોઈ વાર આકાશ વધુ ગુલાબી લાગે,
જાણે કેસરિયો આજે રિસાયો છે ,
ને એની ગુલાબી પ્રિયતમા અહી-તહીની વાતો થી એને મનાવવા મથી રહી છે...
તો ક્યારેક વળી ગુલાબી પણ હઠ કરતી હશે ને?
મારા બાલિશ નખરાઓ જેવી રીતે તું નિભાવે છે..?!

સંધ્યા ત્યારે ખીલે – જયારે આકાશ મન મુકીને વરસ્યું હોય..
મારી નાનકડી દુનિયામાં તારું આગમન એટલે જ થયું હશે?મન મુકીને વરસવા માટે?!
શબ્દોને હવાનું માધ્યમ જોઈએ.. પણ મારી લાગણીઓને બસ તારી એક નજર પુરતી છે..
હસતા ચહેરા પાછળની મારી ઉદાસી,
 કદી ના રોવાયેલા આંસુઓ- આટલું બધું એક કાચી સેકન્ડમાં તને કોણ કહી જાય છે?

યાર મને એક ફરિયાદ છે..
સાંજે ઘરે પાછા ફરતા પક્ષીઓની કતારો જોઈ છે? સંધ્યા સમયે બધાને પોતાના સ્નેહી યાદ આવે છે..
જયારે સાંજ ના કેનવાસ પર રંગોની પીંછી ફરે, 
ત્યારે એને સંધ્યા “ખીલી” એમ કહેવાય..
તો પ્રેમમાં તો યાદો રૂપી રંગોની આખી પ્યાલી ઢોળાય, 
તો પછી પ્રેમમાં “પડવું” એમ શાને કહેવાય છે?

તું મને એમ કહે કે આપણે વિના કારણે કેમ આટલું બધું ઝઘડતા હોઈશું?
બિલાડીના બે બચ્ચાઓની માફક નાની નાની વાતે લડી પડીએ છીએ ને?!
પણ સાચું કહું, મને એના વિના ચાલતું પણ  નથી..
મતભેદ થયા પછી પણ મારા મન પર બસ તું જ તું છવાય છે!

તારે મઢેલી રાતો હોય કે હોય ભરચક્ક ઉનાળો,
ગુલમહોર અને રાતરાણીમાંથી પણ હું તારી મહેક પામું છું..
દુનિયા આખી ના વ્હાલનો પ્રતિસાદ તે મને તારામાં શોધી આપ્યો, માન્યું !
પણ ,હું તો દર વખતે બસ તારા હોવાપણામાં જ ખોવાઈ જાઉં છું..

- Anita R. 

3 comments :

  1. too imaginative writing..
    સંધ્યા ના બે રંગો ની બહુ સરસ કલ્પના

    ReplyDelete

Recent Posts

Recent Posts Widget